ધોરાજીનાં વિવિધ વિસ્તારો જેવા કે જમનાવડ રોડ રેલવે ફાટક , જૂનો ઉપલેટા રોડ , જુનાગઢ રોડ અને એવાં ઘણી જગ્યાએ કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું હોય તેનો ઉકેલ લાવવા ફરિયાદો ઉઠવા પામી છે. સ્થાનિક લોકો રમેશભાઈ ,દામજીભાઈ સહિતનાએ જણાવ્યું હતું કે ધોરાજીનાં વિકાસમાં જાણે ખાડા પડી રહયા છે. ધોરાજી ખાડાની નગરી તરીકે જાણીતું થઇ ગયું છે. સામાન્ય વરસાદ પડતાંની સાથે જ ઘણા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગ અને રસ્તાઓ ખખડધજ હાલતમાં બની ગયા છે. શહેરના જૂનાગઢ રોડ, રેલવે ફાટક રોડ, જમનાવડ રોડ, રેલવે ફાટક સુધી જૂનો ઉપલેટા રોડ અને અન્ય ઘણા વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર અને કાદવ કીચડ અને ખાડાનું સામ્રાજ્ય ખડકાયું છે .
મહિલાને પ્રેગ્નન્સી માટે ધોરાજીથી બહાર ગામ હોસ્પિટલે વાહન કે એમ્બ્યુલન્સ માં લઇ જવામાં આવે તો અધવચ્ચે જ ડિલિવરી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે તેમ છે તો બીજી તરફ ચાલકોને કમરના દુખાવા થઇ જાય અને પાછળ બેસનારા લોકોને પણ પીઠનો દુખાવો કાયમ ઘર કરી જાય તેવી હાલત છે. આથી આ સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તેવી લોકોની માગણી છે. વિકાસ ખાડામાં ગયો હોય તેમ શહેર ખાડા નગરી બની ગયું છે.