ધોરાજીના છાડવાવદરની ગ્રાન્ટેડ શાળાની 25 ટકા ગ્રાન્ટ કાપવા નિર્ણય

ધોરાજી તાલુકાના છાડવાવદરની ગ્રાન્ટેડ શાળામાં મહિનાઓથી વિદ્યાર્થીઓ ભણવા જ નહીં આવતા હોવાનું બહાર આવતા મોટો વિવાદ થયો હતો. આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે સ્થળ તપાસ કરી રિપોર્ટ આપ્યો હતો. આચાર્ય અને ક્લાર્કના નિવેદન પણ લેવાયા હતા, પરંતુ હવે આ ગ્રાન્ટેડ શાળાની 25 ટકા ગ્રાન્ટ કાપવાનો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નિર્ણય કરાયો હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં ધીમી ગતિએ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ ગ્રાન્ટેડ શાળામાં ચાલતી લાલિયાવાડી બહાર આવ્યાને આશરે એક માસ જેટલો સમય વિત્યા બાદ હવે છેક માત્ર આ સ્કૂલની 25 ટકા ગ્રાન્ટ કાપ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારનો પગાર લઈ નોકરી ન કરતા આચાર્ય અને ક્લાર્કના પગારની રિકવરી કરવાની તો હજુ બાકી છે.

છાડવાવદરમાં જે.જે.કાલરિયા ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળા છે. આ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ અનિયમિત હોવાની ફરિયાદ સામે આવી હતી. તપાસ ટીમ જ્યારે શાળાએ ગઈ હતી ત્યારે શાળાના ક્લાસરૂમ મહિનાઓથી બંધ પડ્યા હોય તેવા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અનિયમિતતા માટે તપાસ કમિટી બનાવી હતી. જોકે ગ્રામજનોએ આ સ્કૂલ 10 વર્ષથી બંધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે ધો.9 અને 10માં 54 વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે, તેવું કાગળ પર દર્શાવતા ટ્રસ્ટી મંડળને સ્કૂલ બંધ શા માટે ન કરવી તેની નોટિસ રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં આવી હતી. જ્યારે ઘેરબેઠાં વર્ષોથી સરકારનો પગાર લેતા આચાર્ય અને ક્લાર્કને પગારની રિકવરી શા માટે ન કરવી તેવી નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો પૂછાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *