રાજકોટ સહિત રાજ્યભરમાં શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ સોમવારથી ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની દ્વિતીય/પ્રિલિમ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઇ છે. આ પરીક્ષા 9 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે અને 28 જાન્યુઆરીના રોજ છેલ્લા પેપર સાથે પરીક્ષા પૂર્ણ થશે. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ એક માસમાં જ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થશે.
પ્રિલિમ પરીક્ષા 28 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયા બાદ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ પાસે બોર્ડની પરીક્ષા માટે એક માસ જેટલો સમય બાકી રહેશે. ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. રાજકોટ સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં સોમવારથી દ્વિતીય/પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓએ પહેલા દિવસે શાંતિપૂર્ણ માહોલમાં પેપર આપ્યું હતું. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ મળી આશરે 12 હજાર કરતા વધુ સ્કૂલોમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ સમગ્ર વર્ષ માટેનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું હતું.