ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક નવી અને મહત્ત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ સંસ્કૃત પ્રોત્સાહન યોજના (માધ્યમિક સ્તરીય)માં ધોરણ-10માં તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તેવી શાળા/સંસ્થાઓને રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર જેવા પ્રોત્સાહન આપવામાં આવશે. જે માધ્યમિક શાળામાં ધોરણ 10માં નોંધાયેલી સંખ્યા 100થી ઉપર હોય તેવી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તો બોર્ડ દ્વારા જેતે સંસ્થાને નાણાકીય સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત, આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી શાળાના આચાર્ય અને વિષય શિક્ષકને પણ વિશેષરૂપે સન્માનિત કરવામાં આવશે. આ યોજના ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત દરેક માધ્યમિક શાળા (સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર) ને લાગુ પડશે. યોજનાનો લાભ મેળવવા માટે શાળાઓએ કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જે શાળામાં ધોરણ 10 (SSC)માં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 100 હોય અને તેમાંથી 100% વિદ્યાર્થીઓએ વૈકલ્પિક વિષય તરીકે સંસ્કૃત પસંદ કર્યો હોય, તે શાળા અનુદાન માટે પાત્ર ગણાશે. આવી શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે અનુદાન મળવાપાત્ર થશે.