ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કર્યાના બે જ દિવસ બાદ ગુજરાત બોર્ડે ધોરણ-10નું પણ પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી દીધી છે. તારીખ 8 મેના ગુરુવારે સવારે 8 કલાકે ધોરણ-10નું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી, જેમાં રાજ્યમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. રાજકોટના 45 હજાર અને સૌરાષ્ટ્રના 2.22 લાખ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થશે.
બોર્ડે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 8 મેના રોજ સવારના 8.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R.નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પૂરક પરીક્ષા-2025ના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર કર્યાના બે જ દિવસ બાદ ધોરણ-10નું પરિણામ પણ આજે જાહેર કરાશે. ગયા વર્ષે શિક્ષણ બોર્ડે 11 મેના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું હતું.