રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન સહિતના કાંડ કેવી રીતે થાય છે અને તેની પાછળ રાજકીય આગેવાનો અને મોટાં માથાંની ભૂમિકા કેવી હોય છે તેનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ બહાર આવ્યું છે. કાલાવડ રોડ પર તાલુકા પોલીસ મથકની સામે આવેલી 120 કરોડથી વધુની કિંમતની વિવાદિત જમીન સૂચિત ન હોવાનો કલેક્ટરે ચાર મહિના અગાઉ હુકમ કરી દીધો હતો જોકે આ વિસ્તાર દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યક્ષેત્રમાં આવતો ન હોવા છતાં આ બાબતનો મુદ્દો ઉઠાવીને રેવન્યુ તંત્રને દબાવવાનો કારસો કર્યાનું બહાર આવ્યું છે. આ જગ્યા પર વર્ષોથી આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. પીજીવીસીએલ અને ગુજરાત ગેસના અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકાઓ પ્રાથમિક તબક્કે બહાર આવી છે ત્યારે આ બંને તંત્રના અધિકારીઓએ વિવાદિત જમીન પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામને કોઇની ભલામણથી જ આપી દીધા હોવાનું ધારાસભ્ય ટીલાળા જે પ્રમાણે ગતિવિધિ કરી રહ્યા છે તેના પરથી પણ સ્પષ્ટ થઈ રહ્યું છે.
કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશનની સામે મોટામવા રેવન્યુ સરવે નંબર 50ની 11 એકરથી વધુ જમીન આવેલી છે. જેમાં ગેરકાયદે બાંધકામો થયા સંદર્ભે અત્યાર સુધીમાં અનેક અરજીઓ થઈ છે જેમાંથી મોટાભાગનાનો નિવેડો આવી ગયો છે. છેલ્લે આ જમીન પર હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્ટેલ અને ગેરેજ સહિતના બાંધકામ કરનાર લગભગ 31 જેટલા વ્યક્તિએ આ જગ્યા સૂચિત જાહેર કરવા માટે કલેક્ટર તંત્રને અરજી કરી હતી. તેની સામે કલેક્ટરે 18-03-2024ના રોજ એવો હુકમ કર્યો હતો કે સીતારામ પાર્ક સૂચિત સોસાયટીને પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરવા માટે હાલના તબક્કે ધોરણસરની દરખાસ્ત કરવાપાત્ર જણાતી નથી. તેનો એવો સ્પષ્ટ મતલબ થાય છે કે આ સૂચિત સોસાયટી નથી. જોકે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ દર મહિને મળતી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કલેક્ટરને સીધો જ પ્રશ્ન કર્યો હતો કે, સીતારામ પાર્ક સોસાયટીના અરજદારો પોતાની પાસે આવીને અવારનવાર રજૂઆત કરે છે ત્યારે આ બાબતે તાકીદે યોગ્ય કરવું. અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે, કાલાવડ રોડ પર જે સ્થળે આ જગ્યા આવેલી છે તે રાજકોટ વિધાનસભા 71(ગ્રામ્ય) એટલે કે ધારાસભ્ય ભાનુબેન બાબરિયા કે જેઓ કેબિનેટ મંત્રી છે તેનો વિસ્તાર આવે છે આમ છતાં દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કોઇ કારણોસર આ 120 કરોડથી વધુની કિંમતી જમીન અંગે રેવન્યુ તંત્ર સમક્ષ મુદ્દો ઉઠાવીને દબાવવાનો કારસો કર્યો હતો.