ધર્મને ગંભીર ના બનાવો, ધર્મને લઇને ગંભીર બનો. કોઈપણ વરણમાંથી સાધુ થઇ શકે. પરંતુ સાધુ થયા તેનું કોઇ વરણ ના હોય. વૃક્ષો,નદી, સહિત પ્રકૃતિના તમામ તત્વો બોલે છે. આપણી સાથે વાત કરે છે પણ આપણે સાંભળી શકતા નથી. વૃક્ષ વાવવાનો અને ઉછેરવાનો હવે અવસર આવ્યો છે. કારણ કે, ઈતિહાસે કરવટ બદલી છે. ભારત મને હરિયાળુ દેખાવા લાગ્યું છે એમ મોરારિબાપુએ રામકથાના ત્રીજા દિવસે સોમવારે જણાવ્યું હતું અને દરેક પરિવાર પાંચ-પાંચ વૃક્ષ વાવીને પંચવટીનું નિર્માણ કરે તેવી અપીલ મોરારિબાપુ દ્વારા કરવામાં આવી હતી.
રામકથામાં દેશભરમાંથી સંતો-મહંતો આવી રહ્યા છે ત્યારે ગુરૂવારે ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા રામકથામાં હાજરી આપશે. વધુમાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં વૃક્ષોનો મહિમા ખૂબ છે. કૃષ્ણના વિરહમાં વૃક્ષો રોતા હતા તો કાલિદાસની શકુંતલા વૃક્ષો સાથે વાતો કરતા હતા. વૃદ્ધ પોતે વૃક્ષ છે અને વૃક્ષ પોતે વૃદ્ધ છે. વડલાના ફળ તોડીએ તો ઝીણા-ઝીણા બીજ તેમાંથી નીકળે. એ બીજને તોડીએ તો તેમાંથી કંઈ નજરે ના પડે. જે ન દેખાય તે પરમાત્મા છે. મોરારિબાપુએ સાધુના વિવિધ પ્રકારો કહ્યા જેમાં સંન્યાસી,સહકારી, સરકારી, સુધારક, સ્વીકારક, સંવાદી, સમન્વય,સંઘર્ષ અને સાધનાશીલ સાધુ તેમણે ગણાવ્યા. કપિલમુનિએ એવું કહ્યું કે, સહન કરે તે સાધુ. કરુણાથી ભરેલો હોય તે સાધુ. મોરારિબાપુએ રામચરિત માનસનો આધાર લઈ ચૌદ પ્રકારના લોકોને જીવતા છતાં મડદાં ગણાવ્યા જેમાં કામી, લોભી,મૂઢ, વાણી અને નજરનો હલ્કો, બદનામ, બોજરૂપ, આજીવન રોગિષ્ટ, ક્રોધી,ધર્મ વિમુખ, વેદના વિરોધી,સાધુ વિરોધી, સ્વાર્થી,નિદંક,પાપગ્રસ્ત વગેરેનો સમાવેશ થાય છે.