કોઠારિયા રોડ પર દેવપરામાં જૂની શાકમાર્કેટ પાસે વિવેકાનંદનગરમાં રહેતા વિપુલભાઇ વીરજીભાઇ ગોંડલિયાએ તેના કોઠારિયા રિંગ રોડ પર પીરવાડી પાસે ધરમનગર સોસાયટીમાં ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાં તિજોરી તોડી તસ્કરો રૂ.60.83 લાખની કિંમતના હીરાની ચોરી કરી ગયાની ફરિયાદ કરતા ક્રાઇમબ્રાંચ, ભક્તિનગર સહિતનો પોલીસ કાફલો પહોંચી તપાસ હાથ ધરી હતી.
તા.10ના રોજ સવારે કારખાનામાં કર્મચારીઓ કામ કરતા હતા અને ઓફિસમાં હીરા ચેક કરવાનું કામ કરતા મેનેજર અશોકભાઇ રોકડ, મુકેશભાઇ રાવલ અને સુપરવાઇઝર હરેશભાઇ ગોંડલિયા હીરા ચેક કરી સુરતથી આવેલા હીરાના પાર્સલ તૈયાર કરી સાંજે મોકલતા હતા અને સુરતથી આવેલા હીરાના પાર્સલ મેનેજર કારખાને હાજર હોય રિપેરિંગમાં આવેલા અને કાચા સહિત 11655 હીરા તિજોરીમાં રાખ્યા હતા અને કારખાનું બંધ કરી ઘેર ગયા હતા.
વેપારી સવારે કારખાને આવ્યા હતા અને તાળાં ખોલી ઉપર જતા ઓફિસનો સેક્શનનો દરવાજો તૂટેલો હોય અંદર જઇને તપાસ કરતા કારખાનામાં લોખંડની તિજોરીમાં ચાવી ભરાવવાની જગ્યાએ ડ્રીલથી હોલ પાડ્યું હોય ચોરી થયાની જાણ થઇ હતી, બાદમાં તપાસ કરતા તિજોરીમાંથી કુલ રૂ.60.83 લાખની કિંમતના 11655 હીરાની ચોરી થઇ હતી જે હીરા સુરતથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.