શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન વચ્ચે આંબેડકરનગરમાં ધોળા દી’એ નશામાં ધમાલ મચાવી બેકાબૂ કારચાલકે નશો કર્યો હોવાની જાણ કરતા માલવિયાનગર પોલીસે કારચાલકને ઝડપી લઇ તપાસ કરતા તે મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો કોન્સ. હોવાનું બહાર આવતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માલવિયાનગર પોલીસ મથકના કોન્સ. એન.બી. ભરવાડએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો જગદીશ મેણંદભાઇ ઘુુઘલનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બપોરે ફરજ પર હતા ત્યારે ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં એક શખ્સ ધમાલ કરતો હોવાની પોલીસ કંટ્રોલએ જાણ કરતા માલવિયાનગરની પોલીસની ટીમ તુરંત પહોંચી હતી.
દરમિયાન પોલીસને જોઇ નાસી જવા જતા શંકાસ્પદ કારચાલકને અટકાવી તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી તેમજ કારચાલક પણ નશો કરેલી હાલતમાં હોય તેની અટકાયત કરી પૂછતાછ કરતાં પોતે પણ પોલીસમાં હોવાનું જણાવતા તેને માલવિયાનગર લાવ્યા હોવાનું જણાવતા એએસઆઇ કે.યુ.વાળા સહિતે ગુનો નોંધી આરોપી પોલીસમેન જગદીશ ઘુઘલની ધરપકડ કરી જામીન પર છોડવાની કાર્યવાહી કરી હતી.