લાલચમાં ફસાયેલા લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. આવી જ વધુ એક ઘટનામાં મામલતદાર કચેરીના કર્મચારીએ રૂ.10 કરોડની લહાયમાં રૂ.21 લાખ ગુમાવ્યા હતા. પોલીસે છ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની સુખસાગર સોસાયટીમાં રહેતા અને ગોંડલ મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વિભાગમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતાં ચિરાગપરી સુરેશપરી પરીનામી (ઉ.વ.27)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગરના હિરેનપરી ઉર્ફે શનિ સુરેશપરી ગોસ્વામી, અમદાવાદના સુરજ પટેલ, કોલકાતાના વાસંુદા અગ્રવાલ, સુબોધ શર્મા, સાજિંદા અગ્રવાલ અને શંકર ચક્રવર્તીના નામ આપ્યા હતા.
ચિરાગપરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચિરાગપરીને કાલાવડ રોડ પર રેસ્ટોરન્ટ અને કાફે બનાવવું હોય નાણાંની જરૂરિયાત હોવાથી તેણે લોન માટે હિરેનપરીને વાત કરતાં તેણે અમદાવાદના સૂરજ પટેલનો પરિચય કરાવ્યો હતો અને ત્રણેય ફોનમાં વાતચીત કરતા હતા. લોનના કામ અર્થે સૂરજ પટેલ રાજકોટ આવ્યો હતો અને લોનની કાર્યવાહી શરૂ કરવા માટે ચિરાગપરી પાસેથી રૂ.5 લાખ લીધા હતા. ત્યારબાદ રૂ.10 કરોડની લોન આપનાર બેંક જોવા માટે કોલકાતા જવું પડશે તેમ કહી સૂરજ પટેલ પોતાની સાથે મુંબઇથી હિરેન અને ચિરાગનેે કોલકાતા લઇ ગયો હતો અને ત્યાં એક બેંકની મુલાકાત કરાવી હતી. ત્યાં બેંકના કર્મચારી તરીકે વાસુંદા અગ્રવાલ, સુબોધ શર્મા, સાજિંદા અગ્રવાલ અને શંકર ચક્રવર્તી સાથે પરિચય કરાવ્યો હતો અને ત્યાં લોન અંગે આ લોકો સાથે ચિરાગપરીને વાતચીત કરાવી હતી અને બાદમાં ત્રણેય મુંબઇ આવી ગયા હતા.