રાજકોટ શહેરમાં પોલીસની ધાક ઓસરતી જાય છે અને તેના કારણે દરરોજ એવરેજ એકથી બે સરાજાહેર મારામારીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
રવિવારે સાંજે પણ યુવાનને અયોધ્યા ચોકમાં સીનર્જી હોસ્પિટલ પાસે બોલાવ્યા બાદ ધંધાકીય ખારને કારણે 10થી 12 શખ્સ સરાજાહેર બેઝબોલના ધોકા અને બેટ સાથે તૂટી પડ્યા હતા અને યુવાન પર હિચકારો હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
ઇજાગ્રસ્ત યુવાનને પરિવારજનોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધવા અને ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના નાણાવટી ચોકમાં રુક્મિણી પાર્કમાં સિદ્ધિવિનાયક ખાતે રહેતા પાર્થ નીતિનભાઇ ફિચડિયા નામના 23 વર્ષના યુવાનને મયૂર બારોટ નામના શખ્સે અયોધ્યા ચોકમાં સીનર્જી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ 10થી 12 શખ્સ તેના પેટ પર બેસીને બેઝબોલના ધોકા અને બેટ સાથે તૂટી પડ્યા હતા.
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
ઇજાગ્રસ્ત યુવાનના પિતા નીતિનભાઇ રમણીકલાલ ફિચડિયા અને માતા પૂજાબેને જણાવ્યું હતું કે, અમારો પુત્ર અગાઉ મોબાઇલની દુકાનમાં કામ કરતો હતો ત્યારે મયૂર બારોટનો છોકરો તેને ધંધો કરવા માટે પોતાની સાથે લઇ ગયો હતો અને બન્ને રેતીનો ધંધો સાથે કરતા હતા.