જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં આવેલા 42 ટાપુઓમાંથી પીરોટન સહિત સાત ટાપુ પર થોડા દિવસો પહેલા તંત્રએ મેગાડીમોલીશન હાથ ધર્યું હતું. ત્યારબાદ ફરી ત્યાં કોઈ દબાણ થયા છે કે નહીં તપાસવા સ્થાનિક પોલીસે આજે મેગા સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ યોજી અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઇને તપાસ કરવામાં આવી હતી. નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહિવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જો કે આજે ચેકીંગ દરમિયાન કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકીંગ હાથ ધરવામાં આવશે.
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવએ જણાવ્યું હતું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં જે 42 ટાપુઓ આવેલા છે આ ટાપુઓ ઉપર રહેલા ગેરકાયદેસર દબાણો થોડા સમય પહેલા દૂર કરવામાં આવેલા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક પોલીસ અને SOG સહિતની ટીમોને સાથે રાખી એક ચેકીંગ માટે મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જો કે આજ રોજ કરેલ ચેકીંગ ઝુંબેશમાં કોઈ પણ પ્રકારની અનધિકૃત કે શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી સમયાંતરે ટાપુઓ ઉપર ચેકીંગ પણ કરવામાં આવશે.