ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુએ દોહા હુમલા માટે કતાર પાસે માફી માગી છે. તેમણે સોમવારે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ-થાનીને ફોન કર્યો હતો, એમ રોઇટર્સે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે.
અહેવાલ મુજબ, નેતન્યાહુએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના કહેવા પર વ્હાઇટ હાઉસથી અલ-થાનીને ફોન કર્યો હતો. ઇઝરાયલી વડાપ્રધાન આજે ટ્રમ્પને મળવા માટે અમેરિકા પહોંચ્યા હતા, જે આ વર્ષે તેમની અમેરિકાની ચોથી મુલાકાત છે.
20 દિવસ પહેલા 9 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલી સૈન્યએ દોહામાં હમાસના વડા ખલીલ અલ-હય્યાહને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ-હય્યાહ બચી ગયા હતા, પરંતુ છ અન્ય લોકો માર્યા ગયા હતા, જેમાં એક કતારી અધિકારીનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ કતાર ઇઝરાયલથી ગુસ્સે થયો હતો, ટ્રમ્પે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
નેતન્યાહુએ કતારની સાર્વભૌમત્વના ઉલ્લંઘન અને તેના અધિકારીના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું. આ માફી ગાઝામાં શાંતિ વાટાઘાટો ફરી શરૂ કરવાના પ્રયાસનો એક ભાગ છે, કારણ કે હુમલા બાદ કતારે હમાસ અને ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થી સ્થગિત કરી હતી.