દેવપરામાં એસ.ટી. બસ ફાળવો, લીલાપુરમાં આંગણવાડી બનાવો

રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડાઓના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે ત્વરિત નિકાલ લાવવાના આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આજે 19 ફેબ્રુઆરીએ વિંછીયા મામલતદાર કચેરી અને જસદણ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં જસદણ અને વિંછીયા તાલુકાના સરપંચો સાથે અધિકારીઓની સંવાદ બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોને પાક માટે સૌની યોજના માંથી પાણી આપવામાં આવે, જસદણના દેવપરામાં એસટી બસ શરૂ કરો તેમજ લીલાપુરમાં આંગણવાડીનું બાંધકામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તે સહિતની માંગણીઓ મૂકાઈ હતી.

આ બેઠક દરમિયાન વિવિધ ગામોના સરપંચો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો, રજૂઆતો અને સૂચનો અંગે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી. જેમાં મુખ્યત્વે વીજ કનેક્શન મેળવવા, નડતરરૂપ વીજપોલનું શિફ્ટિંગ, ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા અને ગામતળના દબાણો દૂર કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો હતો, તેમજ સીમ વિસ્તારના સાંકડા રસ્તાઓ પહોળા કરવા, ગામતળના પ્લોટની માંગણીઓ, પીવાના પાણીની વ્યવસ્થા અને પાણીના નિકાલ જેવી સુવિધાઓ અંગે પણ જરૂરી સૂચના અપાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા પ્રશ્નોનું સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ સુનિશ્ચિત કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *