ગોંડલના દેવચડી ગામે લગ્નની જાન જોવા બહાર નીકળેલા યુવાન સાથે બોલાચાલી થઈ હોય, જે બાબતે થયેલા ડખ્ખા બાદ યુવાન પર ધોકા વડે હુમલો થતા ગોંડલ તાલુકા પોલીસ મથકે બે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જીતેન્દ્ર રાણાભાઇ દાફડા (ઉં.વ 30, રહે-દેવચંડી ગામે રામાપીરના મંદિર પાસે તા.ગોંડલ)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, હું કડિયા કામ મજૂરી કરું છું.
ગઈ તા.1/2 ના સાંજના સાત વાગ્યે હું મારા ઘરેથી બહાર નીકળ્યો હતો ત્યારે અમારા કુટુંબિક અનિલ પરબતભાઈ દાફડા અપશબ્દો બોલતા હોય જેથી દુકાન બાજુ ચાલીને જતો હોય તેવામાં જેન્તી ભાણાભાઈ દાફડાએ મને માથાના ભાગે ધોકો મારી દેતા મને લોહી નીકળવા લાગ્યું હતું. તેવામાં દેકારો થતા મારા મમ્મી નિર્મળાબેન ત્યાં આવી ગયા હતા.અમને જુદા પાડતા હતા ત્યારે મારા મમ્મીને હાથના ભાગે જેન્તી દાફડા એ ધોકો મારી દીધો હતો. મને માથાના ભાગે લોહી નીકળતું હોય મારો ભાઈ મહેન્દ્ર ત્યાં આવી ગયો હતો અને મને 108 એમ્બ્યુલન્સમાં સારવારમાં લઈ આવેલ હતો. આ બનાવનું કારણ એવું છે કે, બે દિવસ પહેલા અમારા કુટુંબીક પ્રકાશભાઈના લગ્ન હતા. જાન પરણીને પરત આવી હતી અને હું જાન જોવા માટે બહાર નીકળ્યો જે આ લોકોને ગમ્યું નહોતું. તે સમયે મારા કાકા જેન્તીભાઈએ મને ઘરે જવાનું જણાવ્યું હતું. હું ઘરે નહીં જતા બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખી ફરીવાર મને અપશબ્દો બોલી, હુમલો કરેલો હતો.