શહેરમાં ગત તા.22-9-2022 ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ તેમની બહેનનું અપહરણ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. તે ગુનો પોલીસે નોંધ્યા બાદ આરોપીને તપાસ કરતા આરોપી રાહુલ રામકુમાર કુશવાહા અને ભોગ બનનાર આરોપીના ગામમાં ઉત્તર પ્રદેશમાંથી મળી આવ્યા હતા અને પોલીસે આરોપી રાહુલની ધરપકડ કરી હતી. તો ભોગ બનનારના નિવેદનના આધારે દુષ્કર્મનો અને પોક્સોની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આરોપી સામે ગુનાને લગતો પુરાવો મળી આવતા પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. દરમિયાન આરોપીએ જામીન ઉપર છૂટવા પોક્સો અદાલતમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહ્યા હતા અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી સગીરાને 15 વર્ષ અને આઠ માસની ઉંમર હતી ત્યારે લલચાવી ફોસલાવી અને ભગાડી ગયો હતો. દુષ્કર્મ આચરી અને ગર્ભ રાખી દીધો હતો. સગીરાએ બાળકને જન્મ પણ આપેલ છે. આવા ગંભીર સમાજ વિરોધી ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ દ્વારા આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવામાં આવી છે.
અન્ય બનાવ ઈલ્યાસ દાદુભાઈ ધુંધા (ઉ.વ. 33, રહે. ખોડીયારપરા) એ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા વીડિયો ઉતાર્યો હતો. તેના જણાવ્યા મુજબ, તે ખોડિયારપરામાં મસ્જિદ પાસે આરઝુ પાન નામની દુકાન ચલાવે છે. જ્યાં પાનનો ગલ્લો અને કરિયાણાનો સામાન વેચે છે. તેની દુકાન સામે જ કરિયાણાની દુકાન છે. જે મનિષાબેન ખખ્ખર, પ્રવિણભાઈ ખખ્ખર અને લાલો ચલાવે છે. તેઓએ ઈલ્યાસના દુકાન માલિકને કહેલું કે આની ભાડેની દુકાન ખાલી કરાવે. આક્ષેપ મુજબ, ઈલ્યાસ વિરુદ્ધ ષડયંત્ર કરે છે. ખોટા કેસ કરે છે. ઈલ્યાસે કહ્યું કે, હું 9 મહિનાથી પોલીસ મથકના ધક્કા ખાવ છું. તેઓ ગેરકાયદેસર ગેસના બાટલા તેની દુકાનમાં રાખે છે. મેં ફરિયાદ કરી તો પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. હવે આ સામેવાળા ધાર્મિક સંગઠનોને મોકલી પરેશાન કરવાની ધમકી આપે છે. મને ન્યાય નથી મળતો એટલે આ પગલું ભરું છું તેમ ઈલ્યાસે આક્ષેપ કર્યો હતો. આ ઘટના મામલે પ્રદ્યુમનનગર પોલીસે નિવેદન લેવા તજવીજ કરી હતી.