ગત તારીખ 10.12.2024ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ તેણીને લગ્ન કરવાની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરેલ છે, તે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપી ઉર્મિશ હરીશભાઈ થાનકીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો. આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો જણાય આવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ જે ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને આવા ગંભીર ગુનાના આરોપીને જામીન આપવા જોઈએ નહીં. જો જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ફરી અન્યસ્ત્રીને તેના સકંજામાં ફસાવી આવા ગુના આચરશે. જેથી, જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી.જે. તમાકુવાળા એ આરોપી ઉર્મિશ હરીશભાઈ થાનકિની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે.
જ્યારે અન્ય બનાવમાં રાજકોટ નજીક બેડી ગામમાં વિશાલ રેસ્ટોરન્ટની પાછળની શેરીમાં રહેતા દૂધીબેન નરશીભાઈ સોલંકી (ઉ.વ.70) નામના વૃદ્ધાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના પૌત્ર કિસાન સુખાભાઈ સોલંકીનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે ઘરની બાજુમાં દેકારો થતા તે જોવા જતા તેમના પુત્ર સુખાભાઈ અને તેનો પુત્ર કિશન અને તેની પત્ની કોમલ બંને કોઈ બાબતે ઝઘડો કરતા હતા અને કિશનના હાથમાં છરી હતી. તે તેના પિતા સુખાભાઈને મારવા જતા વૃદ્ધાએ વચ્ચે પડી સમજાવવાની કોશિશ કરી હતી. જેથી, પૌત્ર કિશન તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને તેમને ઢીકાપાટુનો માર મારી છરી બતાવી ધક્કો મારી પછાડી દેતા તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી. બાદમાં વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે આ ફરિયાદ નોંધાવી હતી. પુત્ર સુખાભાઈ તેના પુત્ર કિશન પાસે પૈસા માંગતો હોય, જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં વૃદ્ધા વચ્ચે પડતા તેમને પૌત્રે માર માર્યો હતો. આ બનાવ અંગે કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.