સુખપર ગામના પાટિયા નજીક અકસ્માતમાં ઘવાયેલા જસદણ ગોખલાણાના યુવક મહેશ વાઘેલાનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું. 25 વર્ષીય મહેશ બુલેટ પર ગઢડા જતો હતો ત્યારે સુખપર પાટિયા પાસે સામેથી આવતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. 2 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, જસદણના ગોખલાણા ગામે રહેતા મહેશ કેશુભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 25) ખેતીકામ કરતો હતો. તેણે ગઢડા ખાતે કોથમરી વેચી હતી. જેના રૂપિયા લેવાના બાકી હોવાથી આશરે આઠેક મહિના પહેલા બુલેટ બાઈક પર ગઢડા ખાતે જઈ રહ્યો હતો, ત્યારે સુખપર પાટિયા પાસે અન્ય બાઇક સાથે અકસ્માત સર્જાતા મહેશને માથે શરીરે ગંભીર ઈજા થઈ હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી હતી. હોસ્પિટલમાંથી રજા મળતા ઘરે પણ તેની સારવાર ચાલુ હતી. દરમિયાન ગઈકાલે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં મહેશના મૃતદેહને પોલીસે પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.આ બનાવમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મહેશ પાંચ ભાઈ અને ચાર બહેનમાં ત્રીજા નંબરનો હતો. તેને સંતાનમાં બે વર્ષનો એક દીકરો છે. પરિવારએ આધાર સ્તંભ પુત્ર અને બે વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાયો હતો.