દીવનો દારૂ રાજકોટ પહોંચે તે પહેલાં જ દરોડો, 5.88 લાખનો મુદામાલ કબજે

રાજકોટમાં આગામી લગ્ન પ્રસંગમાં દારૂની છોળો ઉડાડવાનું આયોજન કરનાર શખ્સોના મનસૂબા પર આટકોટ પોલીસે પાણી ફેરવી દીધું હતું.

દીવથી વિદેશી દારૂનો જથ્થો લઈને રાજકોટ આવી રહેલી કારને આટકોટ પોલીસે ટી-પોઈન્ટ પાસેથી ઝડપી પાડી 34 બોટલ દારૂ અને કાર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આટકોટ પોલીસ મથકના એએસઆઈ એમ.પી. પરમાર, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મેટાડીયા અને ટીમ જસદણ રોડ ટી-પોઈન્ટ પાસે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન બાબરા તરફથી આવતી સફેદ રંગની કાર (નં. GJ-14-BD-4925) ને અટકાવી તલાશી લેતા, પાછળની સીટ પર પ્લાસ્ટિકના ઝબલામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આટકોટ પોલીસે હારૂન સુમરા રહે. થોરાળા, રાજકોટ (મૂળ રાજુલા) અને ગોપાલ મહેશ મેવાડા રહે. સંતકબીર રોડ, રાજકોટને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન વિદેશી દારૂ નંગ-34 બોટલ કિંમત રૂ. 68,310, કાર: સ્વીફ્ટ ફોર વ્હીલર અને મોબાઈલ 2 નંગ મળી કુલ રૂ. 5,88,310 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પકડાયેલા શખ્સોના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી મહેમાનો માટે અને પ્રસંગમાં ઉપયોગ કરવા માટે તેઓ દીવથી દારૂ લઈ આવતા હતા. રાજકોટ પહોંચે તે પહેલા જ પોલીસે દબોચી લેતા લગ્નનો પ્રસંગ બે-રંગ બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *