રાજકોટના ભગવતીપરામાં રહેતા સંધી-મુસ્લિમ યુવાને દીકરીના લગ્ન ખર્ચ માટે એક વર્ષ પહેલાં અયોધ્યા ચોકમાં ઓફિસ ધરાવતાં મિત્ર મારફત સુરેન્દ્રનગર રહેતા મિત્રના મિત્ર પાસે પોતાની 8 લાખની કાર ગીરવે મૂકી 4 ટકા વ્યાજે 2.40 લાખ લઇ તેનું 1.15 લાખ જેટલું વ્યાજ નિયમિત ભરપાઇ કરી બાદમાં પૈસાની વ્યવસ્થા થઇ જતાં પોતાની કાર પાછી માગતા બંનેએ હવે કાર ભૂલી જવાની છે. વધુ 3 લાખ વ્યાજના આપવા પડશે તેમ કહી વારંવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો દઇ ટાંટિયા ભાંગી નાખવાની, ઉપાડી જવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.
અંબિકા પાર્ક બ્લોક નં.2 ફાતિમા મસ્જિદની સામે રહેતા અબ્દુલભાઇ અલીભાઇ સંધી (ઉ.વ.41) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મિત્ર પંકજ કિશોરભાઇ વાયા અને સુરેન્દ્રનગરનો તરૂણ ઉર્ફે શિવમ રાવલનું નામ આપ્યું છે.
અબ્દુલભાઈએ ઘણા સમય સુધી નિયમિત વ્યાજની ચૂકવણી કર્યા બાદ નાણાંની વ્યવસ્થા થઇ જતા પોતે પંકજ અને તરુણ ઉર્ફે શિવમને નાણાં લઇ ગાડી પરત આપવાનું કહેતા બંનેએ, હવે આ ગાડી ભૂલી જજો તમારે વ્યાજે લીધેલા રૂપિયાની સામે હજુ રૂ.3 લાખ આપવા પડશે કહી બંનેએ પઠાણી ઉઘરાણી શરૂ કરી દઈ ફોનમાં ગાળો ભાંડી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. પોલીસે અબ્દુલભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.