ભરવાડ સમાજની દીકરીઓ ઉચ્ચ શિક્ષિત બને એ માટે સમાજ દ્વારા કન્યા કેળવણી યોજના અમલી બનાવાઈ છે.જે અંતર્ગત રાજકોટ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર સૌરાષ્ટ્રમાંથી આવતી દીકરીઓ માટે ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ બનાવાઈ છે જેમાં દીકરીઓ માટે રહેવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત જમવા, અભ્યાસનો 50 ટકા ખર્ચ દાતાઓ ભોગવે છે. દર વર્ષે 180થી વધુ દીકરીઓ આ કન્યા કેળવણી યોજનાનો લાભ લઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે તેમ સમાજના આગેવાન રાજુભાઇ ઝુંઝાએ જણાવ્યું છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધુ હશે તો એક સશક્ત સમાજનું નિર્માણ થશે. આજના સમયમાં શિક્ષણ એ પાયાની જરૂરિયાત બની ગઈ છે તે હેતુથી આ યોજના અમલવારી કરવામાં આવી છે. આનાથી ફાયદો એ થયો કે દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું ને તેની સાથોસાથ દીકરીઓ આત્મનિર્ભર પણ બની.