દીકરીએ કરેલા પ્રેમલગ્નથી લાગી આવતા માતાએ આત્મહત્યા કરી

રાજકોટની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં કાજલબેન દીપકભાઇ રાઠોડ (ઉ.વ.40) નામના મહિલાએ ઘરે ઉપરના માળે ગળાફાંસો ખાઇ લેતાં 108ના EMTએ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ માલવીયાનગર પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આપઘાત કરનાર કાજલબેનને સંતાનમાં બે દીકરી હોવાનું અને પતિ-પત્ની બન્ને કેટરર્સનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. મોટી દીકરીએ પાંચ મહિના પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ત્‍યારથી કાજલબેન ગુમસુમ રહેતાં હતાં જેથી આઘાતમાં આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

વૃદ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાત કુંદનબેન દેવદાસભાઈ નકુમ (ઉં.વ.63)એ આજે સવારે 10 વાગ્યાં આસપાસ પોતે આજીડેમ પાસે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે હતા ત્યારે ખળમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી તેમને તત્કાલ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

સમાધાન માટે બોલાવી યુવકને નોનવેજની હોટેલમાં લઇ જઇ બેફામ મારકૂટ કરી રાજકોટમાં ઇગલ પેટ્રોલ પંપ સામે ખાકટીવાસમાં રહેતો સદામ સમશેરભાઇ કાથરોટીયા (ઉ.વ.26) ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્રદ્યુમનનગર પોલીસ આવી સદામની ફરિયાદ પરથી ઇરાફન, રાહુલસિંગ, અરમાનબાબુ અને બીમ્‍બો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી સદામ બપોરે 2 વાગ્‍યા આસપાસ પોતાના ઘરે હતો ત્‍યારે તેના ભાઈ સિકંદરનો ફોન આવ્‍યો હતો. સિકંદરે જણાવ્‍યું હતું કે તે ઈરફાન સાથે ઉભો છે અને જૂના ઝગડા બાબતે સમાધાનની વાત કરવાની છે. તું ભીલવાસ મેઇન રોડ પર આવેલી મિસ્‍ટર ચિકન હોટલ પાસે આવ માટે સદામ ત્‍યાં પહોંચતા જ આરોપી ઈરફાને તેને હોટલની અંદર બોલાવ્‍યો હતો. સદામ અંદર ગયો એટલે તરત જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *