દીકરાની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા અને 25000નો દંડ

રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા હત્યા કેસમાં આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગત 9 માર્ચ, 2023ના રોજ મોડી રાત્રે આરોપી બટુકભાઈ ચનાભાઈ કુકડીયા (ઉ.વ.55) એ તેમના જ પુત્ર મહેશ બટુકભાઈ કુકડીયા (ઉ.વ.31)ની હત્યા નિપજાવી હતી. જે કેસમાં માતાની જુબાની ધ્યાન પર લઇ રાજકોટના અધિક સેશન્સ જજ આઈ.બી. પઠાણ દ્વારા હત્યાના કેસમાં આરોપી પિતાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.25,000નો દંડ ફરમાવ્યો છે.

ગત 10 માર્ચ, 2023ના રોજ ફરીયાદી રેખાબેન બટુકભાઈ કુકડીયાએ ભાડલા પોલીસ સ્ટેશનમા નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, 9 માર્ચ, 2023ના રોજ પુત્ર મહેશ કુકડીયા કનેસરા ગામે પોતાની વાડીએ પાણી વાળવા ગયો હતો અને ત્યા વાવેતરની બાજુમા સુઈ જતો હતો.

તે સવારના પાછો ન આવતા માતા પોતાના દિકરાની તપાસ કરવા વાડીએ ગયા હતાં, ત્યાં બ્લેન્કેટ ઉચું કરીને જોયું તો તેના મોઢામાથી લોહી નીકળતું હતું અને કપાળના ભાગે ચીરો પડી ગયેલો હતો. આ હત્યા રેખાબેનના પતિ આરોપી બટુકભાઈ ચનાભાઈ કુકડીયાએ કરી હોવાનું જણાવ્યું હતું જેના આધારે પોલીસે આરોપી બટુક કુકડીયાની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી બટુકે લાકડી વડે માથા ઉપર ઘા મારી પુત્ર મહેશની હત્યા નિપજાવી છે જેથી પોલીસે લાકડી કબ્જે કરી હતી અને તેના ઉપર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. તપાસ બાદ પોલીસે ચાર્જશીટ રજૂ કરતા કેસ ચલાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *