દિવ્યાંગોને કન્સેશન પાસ માટે રેલવે ઓફિસે ધક્કો નહીં થાય

ટ્રેનોમાં મુસાફરી કરતા દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટ પર છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગજનોને ડીઆરએમ ઓફિસમાં આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગજનો ઘેરબેઠાં પાસ મેળવી શકે તે માટે દિવ્યાંગજન કાર્ડ એપ શરૂ કરવામાં આવી છે. દિવ્યાંગોએ ઓનલાઈન અરજી કરવી પડશે, ડીઆરએમ ઓફિસ આવવાની જરૂર નથી.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્સિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ જણાવ્યું કે, દિવ્યાંગજન કાર્ડ મેળવવા માટે, એપમાં જરૂરી વિગતો ભરો, જેમાં આઈડી પ્રૂફ, મોબાઈલ સાથે લિંક કરેલ આધારકાર્ડ, સિવિલ સર્જન તરફથી અપંગતા પ્રમાણપત્ર, રહેણાક પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલ રેલવે કન્સેશન પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશનકાર્ડની એક નકલ સબમિટ કરવાની રહેશે. ડીઆરએમ ઓફિસના અધિકારીઓ ફોર્મનું નિરીક્ષણ કરશે. દિવ્યાંગજન એપનો ઉપયોગ કરીને, વ્યક્તિ પોતાના મોબાઇલ પર ઇ-દિવ્યાંગજન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. દિવ્યાંગજનોએ સૌ પ્રથમ રેલવે વેબસાઇટ divyangjanid.indianrail.gov.in પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *