ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના રેશનીંગના વેપારીઓમાં ગોડાઉનમાંથી દુકાન સુધી માલ ઓછો પહોંચતો હોવાની ફરિયાદો પુરવઠા વિભાગને કરવામાં આવી હતી. જેના પગલે તા.4થી 9 ઓક્ટોબર સુધી રાજયની પુરવઠા વિભાગની વિજીલન્સ ટીમો રાજ્યભરમાં ત્રાટકી છે અને પુરવઠા નિગમના ગોડાઉનો તથા અમુક મોટી રેશનીંગની દુકાનોમાં સઘન ચકાસણી હાથ ધરી છે. ગુજરાતમાં સસ્તા અનાજની 17,000 દુકાનો અને તેમાં 75 લાખ રાશનકાર્ડ ધારકો છે. પુરવઠો ઓછો પહોંચતો હોવાની ફરિયાદ મામલે વિજિલન્સ ટીમ દ્વારા પ્રથમ વખત રાજ્યમાં મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ગોડાઉનો તથા દુકાનોમાં પુરવઠો સમયસર પહોંચતો ન હોવાની ફરિયાદ ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, વેપારીના રાજય કક્ષાના સંગઠન દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. ખાસ કરીને હાલમાં દિવાળીના તહેવારોના અનુસંધાને ખાંડ, તેલ અને વધારાના અનાજનું વિતરણ શરૂ થઇ ગયું છે ત્યારે ગોડાઉનો તથા દુકાનોમાં પુરવઠો સમયસર પહોંચતો ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે વેપારીઓને સમયસર માલ મળી ગયો છે કે નહીં તે બાબતે પુરવઠાની વિજીલન્સ શાખાની ટીમોએ આકસ્મિક ચકાસણી રાજકોટ સહિત રાજયભરમાં હાથ ધરી છે.
વિજીલન્સે કુલ 8 ટીમોને સમગ્ર રાજ્યમાં દોડાવી વધુમાં પુરવઠા વિભાગના ટોચના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પુરવઠાની વિજીલન્સે કુલ 8 ટીમોને સમગ્ર રાજ્યમાં દોડાવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ-મોરબી, સુરેન્દ્રનગર, જામનગર તથા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. આ ઉપરાંત ભાવનગર, બોટાદ અને અમરેલીમાં પણ વિજીલન્સ દ્વારા તપાસણી હાથ ધરાઇ છે. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ પુરવઠાની વિજીલન્સ ટીમો કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ (ગ્રામ્ય) તેમજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ તથા વલસાડ અને ખેડા, આણંદ, વડોદરા, મહિસાગર તેમજ પંચમહાલ જિલ્લામાં પણ પહોંચી છે અને પુરવઠાના નિગમના ગોડાઉનો તથા રેશનીંગની દુકાનોમાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.