દિવાળી આડે હવે માત્ર 20 દિવસ બાકી, ફટાકડા માટેના પ્લોટની હરાજી ચડી ગોટે

દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી પર નાનામવા સર્કલ સહિતના સાત પ્લોટ ભાડે આપવા માટે મ્યુનિસિપલ કમિશનર પાસે દરખાસ્ત કરવામાં આવી હતી. હવે દિવાળી આડે માત્ર 20 દિવસ જેટલો જ સમય બાકી છે ત્યારે હજુ સુધી આ સાત પ્લોટની હરાજી માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મંજૂરી આપવામાં ન આવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.

મહાપાલિકા દ્વારા દર વર્ષે 15X15 ચો.મી.ના ગાળા તૈયાર કરી તેની હરાજી કરવામાં આવે છે. ત્યારબાદ આ ગાળા ભાડે રાખનાર આસામીઓ દ્વારા વધારાની જગ્યાની અપસેટ પ્રાઇઝ કરતાં અડધી કિંમતના પૈસા મનપાને ચૂકવવામાં આવે છે, પરંતુ આ વર્ષે અધિકારીઓને ધ્યાનમાં આવ્યું હતું કે, દર વર્ષે હરાજીમાં મળતી પૂરા ભાવની જગ્યા કરતા અડધા ભાવથી મળતી જગ્યા વધુ મળે છે.

જેના લીધે અનેક વેપારીઓ હરાજીમાં ઊંચી બોલી બોલતા નથી. આથી વધારાની જગ્યા પણ હરાજીમાં બોલાયેલા ભાવ મુજબ આપવામાં આવે તો મનપાને ડબલ આવક થવાની શક્યતા છે. આથી આ મુજબની દરખાસ્ત મંજૂરી અર્થે મોકલવામાં આવી છે.

ભીતરમાંથી જાણવા મળ્યા મુજબ સ્ટોલ ભાડે રાખનારા અમુક વેપારીઓ રાજકીય વગધારી હોવાથી હજુ સુધી આ ફાઇલ પર નિર્ણય કરાયો નથી અને જો આવતીકાલ સુધીમાં આ પ્લોટની હરાજી બાબતે નિર્ણય નહીં કરાય તો પ્રક્રિયા વધુ મોડી થાય તેવા સંકેતો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *