રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ ઉત્તમ સ્થળ બની ચૂક્યું છે. જેમાં જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે માત્ર રાજકોટ જ નહીં પરંતુ, સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દિવાળીના તહેવારો શરૂ થતાં અહીં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રાજકોટ મનપા દ્વારા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ હાલમાં સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બન્યું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. જેમાં 4-5 દિવસની રજા હોવાને કારણે લોકો હરવા-ફરવા માટે થનગની રહ્યા છે. શહેરીજનોના હોટફેવરિટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જંગી મેદની ઉમટી પડવાનો અંદાજ છે.
ગાર્ડન શાખા સુપ્રીન્ટેન્ડન્ટ ડો.આર. કે. હીરપરાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટમાં દિવાળી પર્વ નિમિતે પ્રદ્યુમન પાર્કમાં મુલાકાતીઓનો ઘસારો જોવા મળતો હોય છે ત્યારે આ વર્ષે પૂર્વ આયોજનના ભાગ રૂપે પ્રદ્યુમન પાર્ક ખાતે ટિકિટ બારીમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુલાકાતીઓને અગવડ ન પડે તે માટે પુરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા પણ વધારવામાં આવી છે તેમજ લોકોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે અહી સિક્યુરીટી ગાર્ડનો પણ વધારો કરવામાં આવ્યો છે.