દિલ્હી યુનિવર્સિટીની સ્ટુડન્ટનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો

દિલ્હી યુનિવર્સિટીની 19 વર્ષીય સ્ટુડન્ટ સ્નેહા દેબનાથનો મૃતદેહ રવિવારે સાંજે યમુના નદીમાંથી મળી આવ્યો હતો. સ્નેહા મૂળ ત્રિપુરાના સબરૂમની રહેવાસી હતી અને દક્ષિણ દિલ્હીના મહેરૌલીમાં પર્યાવરણ કોમ્પ્લેક્સ વિસ્તારમાં રહેતી હતી.

7 જુલાઈની સવારથી તે ગુમ હતી. રવિવારે સાંજે ગીતા કોલોની ફ્લાયઓવર નીચે નદીમાં સ્નેહાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્નેહાના પરિવારે તેના મૃતદેહની ઓળખ કરી લીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે મહેરૌલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

દક્ષિણ દિલ્હીના ડીસીપી અંકિત ચૌહાણના જણાવ્યા અનુસાર, સ્નેહા દિલ્હી યુનિવર્સિટીના આત્મા રામ સનાતન ધર્મ કોલેજમાં બી.એસસી.ની વિદ્યાર્થિની હતી. એક પારિવારિક મિત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સ્નેહાએ છેલ્લે 7 જુલાઈના રોજ સવારે 5.56 વાગ્યે તેની માતાને ફોન કર્યો હતો.

સ્નેહાએ કહ્યું હતું કે તે એક મિત્રને મળવા માટે સરાઈ રોહિલ્લા રેલવે સ્ટેશન જશે. પછી તેનો ફોન બંધ થઈ ગયો. જ્યારે સ્નેહાના પરિવારે તેના મિત્રને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે સ્નેહા તેમને મળવા આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *