શાહરૂખ ખાન અને ગૌરીના સપનાના ઘર ‘મન્નત’નું રિનોવેશન ચાલી રહ્યું છે. પરિણામે શાહરૂખ પરિવાર સાથે ચાલુ વર્ષે એપ્રિલ મહિનાથી મુંબઇના પાલી હિલ વિસ્તારમાં આવેલા ભાડાના ડૂપ્લેક્સમાં શિફ્ટ થઈ ગયો છે. એક્ટર બે વર્ષ સુધી તે ડુપ્લેક્સમાં રહેશે, રિનોવેશનનું કામ પૂરું થયા પછી ‘મન્નત’માં પરત ફરશે. ત્યારે શાહરૂખે પોતાના માટે તો વૈભવી ઘર ભાડે રાખ્યું જ છે પણ સાથે સાથે તેના સ્ટાફ માટે પણ પાલી હિલમાં જ વૈભવી ફ્લેટ ભાડે રાખ્યો છે, જેના માટે તે દર મહિને 1.35 લાખ રૂપિયા ભાડું ચૂકવી રહ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં રિયલ એસ્ટેટ વેબસાઇટ ઝેપકીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગૌરી ખાને પૂજા કાસા બિલ્ડિંગમાં તેના એપાર્ટમેન્ટથી 100 મીટર દૂર સ્થિત પંકજ સોસાયટીમાં સ્ટાફ માટે એક ફ્લેટ ભાડે લીધો છે. આ ફ્લેટ 725 ચોરસ ફૂટનો છે. શાહરૂખ અને ગૌરીએ સંજય કિશોર રમાણી પાસેથી આ ફ્લેટ 1.35 લાખ રૂપિયામાં ભાડે લીધો છે. આ ફ્લેટ માટે 3 વર્ષના લીઝ સાઇન કરવામાં આવ્યા છે. સિક્યુરિટી ડિપોઝિટ તરીકે 4.05 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. કરાર મુજબ, મકાનમાલિક દર વર્ષે આ ફ્લેટનું ભાડું 5 ટકા વધારશે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, શાહરૂખ ખાને પૂજા કાસા બિલ્ડિંગમાં 2 ડૂપ્લેક્સ ભાડે લીધા છે. 4 ફ્લોરમાં બનેલા આ ડૂપ્લેક્સ માટે શાહરૂખ અંદાજે વાર્ષિક 2.9 કરોડ રૂપિયા ભાડું ચૂકવી રહ્યો છે, એટલે કે દર મહિને 24 લાખ રૂપિયા ભાડું ચૂકવી રહ્યો છે. આ ફ્લેટનો કુલ કાર્પેટ એરિયા 10,500 ચોરસ ફૂટ છે, જે તેના ઘર ‘મન્નત’ ( 27,000 ચોરસ ફૂટ)ના કદ કરતાં અડધો પણ નથી.
શાહરૂખ જે ડુપ્લેક્સમાં રહી રહ્યો છે, તે એક્ટર અને પ્રોડ્યુસર જેકી ભગનાની, તેની બહેન દીપશિખા દેશમુખ અને પિતા વાસુ ભગનાની (પ્રોડ્યુસર)ના નામે છે.