રાજકોટમાં 2થી 5 ફેબ્રુઆરી ઈન્ડિયા ઈન્ડસ્ટ્રિયલ ફેર- 2025નું આયોજન કરવામાં આવ્યું છે.આ ઈન્ડસ્ટ્રિયલ ફેરમાં સૌ પ્રથમ વખત ભારતીય રેલવેના તમામ વિભાગો એક જ છત નીચે આવશે. આ માટે 3 હજાર ચોરસ મીટરનો અલગથી ડોમ ફાળવવામાં આવ્યો છે.જેને કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રથી ઉદ્યોગકારો રેલવે વિભાગને સીધી સપ્લાય કરી શકશે અને મળતા નવા ઓર્ડરના પ્રમાણમાં વધારો થશે અને નવી રોજગારીનું પણ સર્જન થશે. તેમ લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર વિભાગના હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું છે.
રાજકોટ, ગુજરાતના ઉદ્યોગકારોને રેલવે વિભાગમાં ક્યા ક્યા પાર્ટસની જરૂર છે. તે કેવી રીતે સપ્લાય કરી શકાય? તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને કઈ રીતે ઉત્પાદન વધારી શકાય તે સહિતની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાતના એક્ઝિબિશનના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં ભારતીય રેલવેના તમામ વિભાગ ભાગ લઈ રહ્યા છે.
લઘુ ઉદ્યોગ ભારતીના ચેરમેન ગણેશભાઈ ઠુંમર અને તેની ટીમે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી રાજકોટના ઉદ્યોગની ખાસિયત, અહીંના ઉદ્યોગકારોની કોઠાસૂઝ અને આવડતનો પરિચય આપ્યો હતો. રેલવેના વિવિધ વિભાગો જેવા કે ઉત્તર રેલવે, દક્ષિણ રેલવે, પૂર્વ રેલવે, પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે, કોંકણ રેલવે, મેટ્રો રેલવે વગેરે એક્ઝિબિશનમાં ઉપસ્થિત રહી પોતાની જરૂરિયાતની પ્રોડક્ટનું પ્રદર્શન કરશે. સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહો મોટા ભાગની પ્રોડક્ટ સારી ક્વોલિટીમાં સપ્લાય કરવા સક્ષમ છે. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આગામી 2થી ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે રાજકોટના એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે ઈન્ડિયા ઈન્ડસ્ટ્રિયલ ફેર-2025નું આયોજન કરવામાં આવ્યું છે.