સલમાન ખાનના પિતા અને દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાનના સ્વાસ્થ્યને લઈને મોટું અપડેટ આવ્યું છે. ‘જય હો’ ફિલ્મ ફેમ એક્ટ્રેસ ડેઝી શાહે જણાવ્યું છે કે, સલીમ ખાનની હાલમાં સુધારો છે.
‘સલીમ ખાન હવે ખતરાની બહાર છે’
સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી ગુજ્જુ એક્ટ્રેસ ડેઝી શાહે ‘ફિલ્મીજ્ઞાન’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘હું સલીમ સરને મળી શકી નથી, પરંતુ સલમાન સર અને તેમના પરિવારના સંપર્કમાં છું. સલીમ સર હવે ઠીક છે. તેમની હાલત સ્થિર છે. સર્જરી સફળ રહી. તેઓ હાલ ઓબ્ઝર્વેશનમાં છે અને ખતરાની બહાર છે.’
નોંધનીય છે કે, 18 ફેબ્રુઆરીના રોજ મુંબઈની લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરે સલીમ ખાનની હેલ્થ અપડેટ આપી હતી. જોકે, ત્યારબાદ પરિવારે મેડિકલ અપડેટ સાર્વજનિક ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી તેમની તબિયત અંગે કોઈ સત્તાવાર અપડેટ સામે આવી નથી.
આ પહેલા, ‘અમર ઉજાલા’ સાથેની વાતચીતમાં એક્ટર અને સલમાન ખાનના નજીકના સંતોષ શુક્લાએ પણ જણાવ્યું હતું કે, ‘સલીમ ખાનની તબિયતમાં સુધારો છે અને વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવામાં આવ્યા છે.’