ઉત્તરાયણના તહેવાર દરમિયાન દાહોદ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષિત ભિક્ષુક યુવકે રેલવે સુરક્ષા દળ (RPF) પર ગંભીર આક્ષેપો કરી, ન્યાય મેળવવા માટે 60 ફૂટ ઊંચા હાઈવોલ્ટેજ રેલવે પોલ પર ચડી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે રેલવે પોલીસ અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ડાયરીમાં વડાપ્રધાનને સંબોધી વ્યથા લખી મળતી માહિતી મુજબ, આ યુવક શિક્ષિત હોવા છતાં ભિક્ષા માંગીને ગુજરાન ચલાવે છે. તેણે રેલવે પોલ પર ચડતા પહેલા એક ડાયરીમાં પોતાની વ્યથા લખી હતી, જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધન કર્યું હતું. યુવકનો આક્ષેપ છે કે રેલવે RPF પોલીસ દ્વારા તેને અવારનવાર માર મારવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે. આ અન્યાયથી કંટાળીને તેણે અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ RPF, GRP, 112 જન રક્ષક દળ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેલવે લાઈન પર લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે સ્થિતિ તંગ બની હતી. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ યુવક સાથે લાંબી સમજાવટ કરી હતી. કલાકોની જહેમત બાદ યુવક શાંત પડ્યો હતો અને તેને સહીસલામત રીતે પોલ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો.