મોરબી અને ટંકારામાં જેનો રૂ.1 કરોડનો વિદેશી દારૂ પોલીસના હાથે ઝડપાઈ ગયો, તે જ કુખ્યાત બૂટલેગર નવઘણ બાંભવાએ પડધરી પંથકમાં આતંક મચાવ્યો હતો. દારૂનું પાઇલોટિંગ કરી રહેલા આ શખ્સનો જથ્થો પકડાઈ જતાં ‘ફોર્મ’માં આવેલા બૂટલેગરે પોતાની સફેદ બલેનો કારને હથિયાર બનાવી રસ્તા પર નીકળેલા નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા. સરપદડથી રાદડ ગામ વચ્ચે મુસાફરો ભરેલી રિક્ષાને પાછળથી ટક્કર મારી પલટી ખવડાવી દીધી હતી. જોકે રિક્ષામાં બેઠેલા યુવાનો સમયસૂચકતા વાપરી નીચે કૂદી જતાં મોટી જાનહાનિ ટળી હતી. પોલીસે આતંક મચાવનાર મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સને દબોચી લીધા છે.
ફરિયાદી યજુરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, બૂટલેગર નવઘણ અને તેના સાગરીતોએ રસ્તામાં રિક્ષાને ફંગોળ્યા બાદ ગામના પાદરે પણ હોબાળો કર્યો હતો. જ્યારે લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે નવઘણે ઉશ્કેરાઈને કહ્યું હતું કે,”કેમ વચ્ચે પડો છો? આજે તો મારે બધાને પૂરા કરી નાખવા છે.’ આટલું કહી તેણે ફરીથી પૂરપાટ ઝડપે કાર દોડાવી અનેક લોકોને ઇજા પહોંચાડી હતી.
પડધરી પીઆઈ એમ.જી. ચૌહાણની ટીમે નાકાબંધી કરી નવઘણ બાંભવા (મોરબી), નારણ બાંભવા (રાજકોટ), રવિ બાંભવા (પડધરી) અને પ્રવીણ બાંભવા (જામનગર)ને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલી કાર અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે.