દારૂની મહેફિલ બાદ પૈસાના ઝઘડામાં હત્યા કરી હોવાનું અનુમાન, ઉપલેટાના રાજપરાનો બનાવ

રાજકોટના ઉપલેટા તાલુકાના રાજપરા ગામ નજીક એક વાડીમાં ભત્રીજાએ કાકાની કુહાડીના ઘા મારી હત્યા કરી છે. આ ઘટનાની જાણ થતાં જ ભાયાવદર પોલીસ અને રાજકોટ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દારૂની મહેફિલ બાદ થયેલા ઝઘડો જીવલેણ સાબિત થયો.

સૂત્રોના દાવા અનુસાર, રાજપરા ગામ નજીક વાડી વિસ્તારમાં કાનાભાઈ મેરુભાઈ જોગ અને તેમના ભત્રીજા વિરમભાઈ ભુપતભાઈ જોગ દારૂ પી રહ્યા હતા. આ દરમિયાન તેમની વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. ઝઘડામાં ઉશ્કેરાયેલા વિરમભાઈએ ત્યાં પડેલી કુહાડી વડે કાકા કાનાભાઈ પર હુમલો કર્યો હતો. કુહાડીના ગંભીર ઘા વાગવાથી કાનાભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ મામલે પોલીસે મૃતક કાનાભાઈ જોગની પુત્રી દેવીબેન જોગની ફરિયાદના આધારે ભત્રીજા વિરમભાઈ ભુપતભાઈ જોગ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 217(બી) તથા જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભત્રીજા વિરમભાઈના પાંચ વર્ષ પહેલા પત્ની વનીતા સાથે છૂટાછેડા થયા હતા. તે કેશુભાઈના ઘરે જમતો હતો અને છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાથી ફરિયાદી દેવીબેનના ઘરે જમતો હતો. તે તેમની વાડીએ ખેતીકામમાં પણ મદદ કરતો હતો.

ઘટનાના ચારેક દિવસ પહેલા મૃતક કાનાભાઈ અને વિરમભાઈ વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીના કારણે કાનાભાઈએ વિરમભાઈને ઘરે આવવાની અને જમવાની ના પાડી દીધી હતી. જોકે, દેવીબેને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *