દાંડીના દરિયામાં ડૂબી રહેલા વલવાડાના 6 યુવકોના 5 હોમગાર્ડે જીવ બચાવ્યા

દાંડીના દરિયાકિનારે હાલ વેકેશનમાં મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો ફરવા આવ્યા હતા. બપોરે ગરમી હોય તમામ યુવાનો નાહવા પડ્યા હતા. ભરતી હોય પાણી વધતા યુવકો દરિયાના પાણીમાં ખેંચાઈ જતા બચાવો બચાવોની બૂમો પાડી હતી. જેને લઈ કિનારે ફરજ બજાવતા મરીનના હોમગાર્ડ જવાનોએ લાઈફ જેકેટ લઈને યુવાનો ડૂબતા હતા તેમને બચાવી લઇ સહી સલામત કિનારે લાવ્યા હતા. નવસારીના દાંડીના દરિયાકિનારે હાલ વેકેશન હોય સહેલાણીઓ દૂર દૂરથી ફરવા આવે છે.

યુવકો દરિયાના પાણીમાં ખેંચાઈ ગયા
જેને લઈ દાંડી દરિયાકિનારે દાંડી મરીન પોલીસ દ્વારા હોમગાર્ડની સ્પેશ્યલ ડ્યુટી રાખવામાં આવે છે. મંગળવારે બપોરે મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો દાંડીના દરિયાકિનારે ફરવા આવ્યા હતા. ગરમી વધુ હોય તેઓ દરિયામાં નાહવા પડી મોજમસ્તી કરતા હતા. દરમિયાન અચાનક બપોરની ભરતીને કારણે પાણી વધતા હોય તેનો ખ્યાલ યુવકોને આવ્યો ન હતો. થોડા સમય બાદ તેઓ ઊંડા પાણીમાં ખેંચાતા હોવાનો અહેસાસ થયો હતો, જેના કારણે તમામે બચાવો બચાવોની બૂમો પાડી હતી.

હોમગાર્ડ જવાનોએ ​​​​​​ યુવાનો ડૂબતા બચાવ્યાં
​​​​​​​​​​​​​​જેને પગલે દરિયા કિનારે ફરજ બજાવતા 5 હોમગાર્ડ જીજ્ઞેશ ડી.ટંડેલ, નીતિન ટંડેલ, ચંદ્રકાન્ત એ.પટેલ, પ્રશાંત પટેલ, દિવ્યેશ આર.ટંડેલના ધ્યાને યુવકો ડૂબી રહ્યાનું આવતા તુરંત લાઈફ જેકેટ લઈ જ્યાં યુવકો ડૂબતા હતા તે જગ્યાએ પહોંચી ગયા હતા અને જવાનોએ પોતાની સાથે લાવેલા લાઈફ જેકેટ ડૂબી રહેલા તમામ યુવકોને પહેરાવી દઇ સહી સલામત રીતે કિનારે લઇ આવ્યા હતા. બચી ગયેલા યુવકોએ હોમગાર્ડ ના જવાનોનો જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો. જીવ બચાવનાર તમામ હોમગાર્ડને એ.એસ.આઇ. રાજુભાઇ ગોરખ અને ઉપસ્થિત લોકોએ અભિનંદન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *