દસ્તુર માર્ગ અંડરપાસ તૈયાર, પણ સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું ભૂલાયું

ડો.દસ્તુર માર્ગ પર એસ્ટ્રોન નાળાને સમાંતર નિર્માણ પામેલા અંડરપાસનું કામ પૂર્ણ થઇ ગયું છે ત્યારે તેમાં સ્ટોર્મ વોટર લાઇનની પાઇપલાઇન નાખવાનું મનપાનું તંત્ર ભૂલી જતા હવે લોકાર્પણની કામગીરી ઘોંચમાં પડી છે. મનપા દ્વારા ચોમાસા પૂર્વે 15 જૂને દસ્તુર માર્ગ અંડરપાસના લોકાર્પણની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી બાકી રહી જતા આ શક્ય ન બન્યાનું જાણવા મળે છે.

ડો.દસ્તુર માર્ગ પાસે એસ્ટ્રોન નાળા પાસે દર ચોમાસે પાણીનો ભરાવો થતો હોય આ વખતે રેલવે તંત્રે તકેદારી રાખીને ડો.દસ્તુર માર્ગ અંડરપાસની અંદર ચેનલ બનાવી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન ઇન્સ્ટોલ કરી છે, પરંતુ અંડરપાસની રેલવેની હદ પૂર્ણ થાય ત્યાંથી આગળ સ્ટોર્મ વોટર લાઇન મનપાના તંત્રે નાખવાની હોય છે, પરંતુ મનપા સમયસર કામ કરવાનું ભૂલી જતા આ અંડરપાસનું લોકાર્પણ લટકી પડ્યાનું જાણવા મળે છે. જો હાલના તબક્કે અંડરપાસનું લોકાર્પણ કરાય તો ભારે વરસાદમાં એસ્ટ્રોન નાળા પાસે જે રીતે પાણી ભરાય છે તેવી જ સ્થિતિ ડો.દસ્તુર માર્ગ અંડરપાસ પાસે થાય અને લોકાર્પણ સાથે જ દેકારો બોલે તેવી ભીતિ છે.

ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ કોઇ એજન્સી જ ન આવી મનપા દ્વારા ભૂલ સુધારણાના ભાગરૂપે વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાખવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું, પરંતુ પ્રથમ પ્રયત્ને કોઇ એજન્સી ન આવતા ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ રહી હતી અને બીજા પ્રયત્ને બે એજન્સી આવી હતી, પરંતુ હજુ સુધી કામ અપાયું નથી. સંભવત: આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામની દરખાસ્ત આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *