દવાના બિલ મુદ્દે પુત્રે 72 વર્ષની માતાનોહાથ મરડી નાખ્યો, બહેનને વાઇપર માર્યું

શહેરના કાલાવડ રોડ પરના નૂતનનગરમાં રહેતા 72 વર્ષના વૃદ્ધા પર તેના પુત્રએ હુમલો કરી વૃદ્ધાનો હાથ મરડી નાખ્યો હતો તેમજ વૃદ્ધાની પુત્રીને પણ વાઇપરથી ફટકારી હતી. દવાના બિલને મુદ્દે ઉશ્કેરાઇને પુત્રએ કૃત્ય આચર્યું હતું. નૂતનનગરમાં રહેતા નિર્મળાબેન કિશોરભાઇ કાનપરા (ઉ.વ.72)એ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના જ પુત્ર રવિન કિશોર કાનપરાનું નામઆપ્યું હતું.

નિર્મળાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15ના પોતે, તેની 49 વર્ષની વયની અપરિણીત પુત્રી સોનલ અને પરિણીત પુત્ર રવિન ઘરે હતા ત્યારે સોનલે માતા નિર્મળાબેનની સારવારની દવા રવિન પાસે મગાવી હતી અને તેના બિલની ચૂકવણીની વાત કરી હતી. સોનલની વાતનો પ્રથમ વખત તો રવિને પ્રત્યુત્તર આપ્યો નહોતો. સોનલે બીજી વખત એ વાત ઉચ્ચારી દવાનું બિલ ચૂકવવાનું છે તેમ કહેતા રવિન ઉશ્કેરાયો હતો અને તેણે બૂમબરાડા પાડી બહેન સોનલને મારકૂટ કરવા લાગ્યો હતો.

પુત્રી સોનલને બચાવવા માતા નિર્મળાબેન વચ્ચે પડતાં પુત્ર રવિને તેમનો ડાબા હાથનો પંજો પકડી મરડી નાખ્યો હતો. બાદમાં રવિન બાથરૂમમાંથી વાઇપર લઇ આવ્યો હતો અને બહેન સોનલને વાઇપરના ઘા ઝીંક્યા હતા. રવિને કરેલા હુમલામાં ઘવાયેલા માતા-પુત્રી બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલામાં નિર્મળાબેનના ડાબા હાથની વચલી આંગળ‌ીનું હાડકું ખસી ગયાનું નિદાન થયું હતું. પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી રવિન સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *