સામાન્ય રીતે ગાંઠિયાની એક ડિશ આરોગવી હોય તો 50 રૂપિયાથી વધુ ખર્ચ થઈ જાય છે ત્યારે રાજકોટમાં માનવીય અભિગમ ધરાવી દર શુક્રવારે સવારના સમયે શહેરના રૈયા સર્કલ પાસે આવેલા મીરાનગર ખાતેના બગીચામાં 150થી વધુ લોકોને ગરમાગરમ ગાંઠિયા, જલેબી, સંભારો, મરચાં અને ખાખરાની સાથે ચા પણ આપે છે.
આમ તો વિનામૂલ્યે આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે, પરંતુ કોઈ વ્યક્તિએ 10 રૂપિયા આપવા હોય તેની પાસેથી સ્વૈચ્છિક રીતે મેળવે છે. નાણા આપવા ફરજિયાત નથી. લોકો પ્રેમથી દસ રૂપિયા મૂકીને જાય છે અને હસતા મોઢે નાસ્તો આરોગે છે.
આ સેવાકીય કાર્ય કરતાં રૂપેશભાઈ પારેખ એ જણાવ્યું હતું કે, આવું જ એક કાર્ય શહેરના નાનામવા રોડ પર થતું હતું. જ્યાં તેઓ સેવા આપવા જતા હતા. ત્યારબાદ તેઓને પણ પ્રેરણા મળી કે, આપણે પણ આવું કાર્ય કરવું જોઈએ.
અહીં બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના લોકોને નાસ્તો આપવામાં આવે છે. જેમાં આ કાર્ય કરવા પાછળનો હેતુ છે કે જરૂરિયાતમંદ લોકો કે વડીલો આવો નાસ્તો આરોગી નથી શકતા તેથી દરેક લોકો માટે આ સેવા પ્રવૃત્તિ કરાય છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દરેક લોકોને ગમે તેટલા ગાંઠિયા આરોગવા હોય તેઓ ત્યાં આરોગી શકશે, પરંતુ પાર્સલ કે ઘરે લઈ જવામાં આવતા નથી. વધુમાં ઉમેર્યું હતું કે, લોકોનો પણ સારો સાથ સહકાર મળી રહે છે તથા અહીંના પ્રમુખ રાજેન્દ્રસિંહ હાડાએ પોતાની જગ્યા આપી છે.