શહેરની વસ્તી વધવાની સાથે મનપાની હદ પણ વિસ્તરણ પામી છે ત્યારે નવા ભળેલા વિસ્તારોમાં લોકોની સુવિધા વધારવા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દક્ષિણ ઝોન બનાવવાનો નિર્ણય કરાયો છે અને તેના માટે કોઠારિયા વિસ્તારમાં રૂ.30.40 કરોડના ખર્ચે ઝોન કચેરી બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરના વિકાસને ધ્યાનમાં લઇને ચોથી ઝોનલ કચેરીની જરૂરિયાત ઊભી થઇ છે. હાલમાં શહેરમાં સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોન કચેરી કાર્યરત છે. આથી દક્ષિણ ઝોનમાં કચેરી માટે અગાઉ નિર્ણય કરાયા બાદ હવે તેના અમલીકરણની તૈયારી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા રૂ.30.40 કરોડના ખર્ચે ઝોનલ કચેરી બનાવવા આયોજન કરાયું છે અને તેના અંતર્ગત આસપાસના ચાર વોર્ડનો સમાવેશ કરાય તેવી સંભાવના છે.
બાંધકામ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર દક્ષિણ વિભાગની ઝોન કચેરી ફાઇનલ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વિસ્તારમાં ટીપી સ્કીમ નં.12માં આવેલા પ્લોટ નં.15માં ઝોન કચેરી બનાવવા માટે રૂ.30,40,40,744ના એસ્ટિમેટ પ્રસિદ્ધ કરાયું છે અને તે ફાઇનલ થયા બાદ દરખાસ્ત તૈયાર કરી વર્ક ઓર્ડર આપી ઝોન કચેરીનું કામ શરૂ કરી દેવાશે. સંભવત: માર્ચ પૂરો થાય તે પહેલાં કામ શરૂ કરી દેવાશે.