દંપતીની 5 કાર પડાવી લઇ કુખ્યાત શખ્સ અને તેના ભાઇએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી

અપહરણ અને હત્યાની કોશિશ સહિતના ગુનામાં અગાઉ સંડોવાયેલા નામચીન પ્રતીક ચંદારાણા અને તેના ભાઇએ કેટરર્સના ધંધાર્થી દંપતી અને તેના ભાગીદારને રૂ.22 લાખ 6 ટકા વ્યાજે ધીરી તોતિંગ રકમ વસૂલી વધુ રકમની માંગ કરી ખૂનની ધમકી આપી છે.

ગ્રીનલેન્ડ ચોકડી પાસેના તિરૂપતિ બાલાજીપાર્કમાં રહેતા સોનલબેન સંજયભાઇ ગાધેરે (ઉ.વ.43) ફરિયાદમાં આરોપી તરીકે ભગીરથ સોસાયટીના પ્રતીક ચંદારાણા અને તેના ભાઇ નિલેશ ચંદારાણાનું નામ આપ્યું હતું. સોનલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેના પતિ સંજયભાઇ ભાગીદારીમાં ભાવેશભાઇ રામાણી સાથે કેટરિંગનું કામ કરે છે.

5 મહિના પહેલા નાણાંની જરૂરિયાત ઉભી થતા પ્રતીક ચંદારાણા અને તેના ભાઇ નિલેશ પાસેથી રૂ.3 લાખ 6 ટકા વ્યાજે લીધા, જેની સિક્યુરિટી પેટે ભાગીદાર ભાવેશભાઇની કાર આપી હતી, કટકે કટકે કુલ રૂ.22 લાખ 6 ટકા વ્યાજે લીધા હતા અને કુલ 5 કાર સિક્યુરિટી પેટે આપી હતી અને દર મહિને રૂ.1.32 લાખ વ્યાજ ચૂકવતા હતા.

એકાદ મહિનાથી વ્યાજ નહી ચૂકવી શકતા પ્રતીક અને નિલેશે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને ફોનમાં ગાળો ભાંડતા તેમજ ખૂનની ધમકી આપતા હતા, ત્રણ દિવસ પહેલા નિલેશ ચંદારાણા દંપતીની ઓફિસે ધસી ગયો હતો અને ત્યાં બે દિવસમાં પૈસા નહી આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગીદાર ભાવેશભાઇને ફડાકો મારી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *