રાજકોટમાં 20મી ઓક્ટોબરના રોજ થેલેસેમિયા મેજર 34 વર્ષીય યુવાન જય કોટેચાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવશે. દિવ્યાંગતાને મ્હાત આપનારો આ યુવાન અમેરિકા સહિતના દેશોની મુસાફરી કરી આવ્યો છે અને થેલેસેમિયા માઇનોર પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચને પણ મળી આવ્યો છે. આ યુવાનના જન્મદિવસે થેલેસેમિયા બાળકો માટે મેડિકલ માર્ગદર્શન કેમ્પ અને આનંદોત્સવ યોજાશે. જોકે, અહીં મહત્વની વાત એ છે કે, રાજકોટમાં 600 સહિત રાજ્યમાં 11,000 જેટલા થેલેસેમિયાના રોગથી દર્દીઓ પીડાય છે એવામાં થેલેસેમિયા મેજર દર્દીઓને લોહી, દવા અને ઇન્જેક્શન પૂરતા આપવામાં આવે, આ પ્રકારના દર્દીઓને તમામ પ્રકારની સારવાર એક જગ્યાએથી મળી રહે તે માટે દરેક જિલ્લામાં કોમ્પ્રિહેન્સિવ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તો લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ સરકાર દ્વારા ફરજિયાત કરાવવામાં આવે એવી માગણી થેલેસેમિયાગ્રસ્ત રિસર્ચ ઓફિસરે કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર કેર સેન્ટરના રિસર્ચ ઓફિસર અને થેલેસેમિયાગ્રસ્ત ડૉ. રવિ ધાનાણીએ જણાવ્યું હતું કે, જય જીતુલભાઈ કોટેચાના 20 ઓક્ટોબરના જન્મદિવસને લઈને યોજાનારા થેલેસેમિયા માર્ગદર્શક કેમ્પ અને આનંદોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓને જે સમસ્યાઓ પડે છે, તેને લઈને હિમેટોલોજીસ્ટ ડૉ. નિસર્ગ ઠક્કર માર્ગદર્શન આપવાના છે. થેલેસેમિયા મેજર પેશન્ટનો ખોરાક જ લોહી છે. તેઓને લોહી ચડાવવા સમયે કઈ-કઈ પ્રકારની તકલીફો થાય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.