સાઉથ સ્ટાર અને રાજકારણી થલાપતિ વિજયના ચેન્નઈમાં આવેલા ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, એક્ટરની ઊંઘમાં ખલેલ ન પહોંચે, તે માટે સુરક્ષા ગાર્ડે પોલીસને અંદર જવાની ના પાડી દેતા પોલીસને 3 કલાક બહાર ઊભા રહેવું પડ્યું હતું. આખરે સવારે એક્ટરના ઊઠ્યા પછી પોલીસ અને બોમ્બ સ્ક્વોડે ઘરમાં તપાસ હાથ ધરી હતી. સદનસીબે કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નહોતી.
‘ઇન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, ‘ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિ કન્યાકુમારીનો હોવાનું કહેવાય છે. તેણે ઇમરજન્સી નંબર 100 પર ફોન કરીને ધમકી આપી હતી કે, જો વિજય ભવિષ્યમાં કોઈ જાહેર સભા કરશે, તો તે તેના ઘરને બોમ્બથી ઉડાવી દેશે.’
જ્યારે ‘ધ હિન્દુ’ના અહેવાલ મુજબ, ‘બુધવારે રાત્રે 2 વાગ્યે પોલીસને ફોન આવ્યો કે, વિજયના ઘરે બોમ્બ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસ અને BDDS ટીમ સવારે 4:30 વાગ્યે વિજયના ઘરે પહોંચી, પરંતુ વિજય સવારે 7 વાગ્યાની આસપાસ ઊઠ્યો, ત્યારે જ તેમને અંદર જવા દેવામાં આવ્યા.’