ત્રણ હજાર સ્કૂલવાન સંચાલકોની આજથી અચોક્કસ મુદતની હડતાળ

ટેક્સી પાસિંગના મુદ્દે સ્કૂલવાન સંચાલકો અને આરટીઓ તંત્ર વચ્ચેના મુદ્દાઓનું નિરાકરણ નહિ આવતા વાલીઓને મંગળવારથી ફરી પરેશાન થવાનો વખત આવ્યો છે. અમદાવાદે રવિવારે અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યા બાદ સોમવારે રાજકોટ સ્કૂલવાન સંચાલક મંડળે મંગળવારથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ સ્કૂલવાન એસોસિએશનના બહાદુરસિંહ ગોહિલે જણાવ્યું કે, શાળાકીય સત્ર શરૂ થાય તે પહેલાં જ રાજકોટ આરટીઓ તંત્ર દ્વારા સ્કૂલવાનનું ટેક્સી પાસિંગ કરાવી લેવા સહિતના મુદ્દે ચર્ચાઓ કરી હતી, પરંતુ શહેરમાં ત્રણ હજારથી વધુ સ્કૂલવાન, ઓટો રિક્ષા દોડતી હોય બે દિવસમાં આ બધી કાર્યવાહી કરવી અશક્ય હતી. જે અંગે વધુ સમય આપવા માટેની માંગ કરી હતી. આરટીઓ તંત્ર દ્વારા કોઇ પ્રત્યુત્તર નહિ આવતા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ હતી. નિયમોને આધીન જ સ્કૂલવાન ચલાવવા માટે સહમતી દર્શાવી છે, પરંતુ તે કાર્યવાહી માટે સમયમર્યાદા વધારવા અંગે તંત્રે મગનું નામ મરી પાડ્યું ન હતું.

જોકે આ પ્રશ્ન માત્ર રાજકોટ નહિ પરંતુ રાજ્યભરમાં હોવાથી રવિવારે અમદાવાદ ખાતે રાજ્યભરના સ્કૂલવાન સંચાલક મંડળોની બેઠક યોજાઇ હતી. જે બેઠક બાદ રાજકોટના સ્કૂલવાન સંચાલકો સાથે ચર્ચા કર્યા બાદ સ્વૈચ્છિક સ્કૂલવાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અમારી હડતાળથી વાલીઓને મુશ્કેલીઓને અમે સમજીએ છીએ, પરંતુ અમારે આ નિર્ણય કરવાની ફરજ પડી હોવાનું બહાદુરસિંહે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *