લાંબા સમય બાદ રાજકોટ જીએસટી તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજકોટ જીએસટીની 3 ટીમે શાપર, વાવડી અને લોખંડ બજારમાં સ્ક્રેપનો ધંધો કરતા 3 વેપારી પર તવાઇ ઉતારી છે અને બુધવારે સતત ત્રીજા દિવસે તપાસ ચાલુ રાખી છે. આ તપાસના અંતે બોગસ બિલોના આધારે કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.
સ્ટેટ જીએસટી રાજકોટ કચેરીના જોઇન્ટ કમિશનર એમ.એ. પટેલે જણાવ્યું હતું કે, રાજકોટના ભંગારના વેપારીઓ બોગસ બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા હોવાની હકીકત ધ્યાનમાં આવી હતી. આથી અલગ-અલગ 3 ટીમ બનાવી વાવડી, શાપર અને લોખંડ બજારમાં સ્ક્રેપનો ધંધો કરતાં 3 વેપારીને ત્યાં દરોડા પાડ્યા છે. તપાસ ગુરુવાર સુધી ચાલશે અને ત્યારબાદ આ ત્રણેય વેપારીએ કેટલી આઇટીસીનો ખોટી રીતે લાભ લઇ કૌભાંડ આચર્યું છે તેનો આંક નક્કી થશે. હાલમાં ત્રણેય ટીમની તપાસ ચાલુ છે.