દેશભરમાં સનાતન હિન્દુ ધર્મની મૂળભૂત બાબતોને તોડી મરોડીને રજૂ કરવાના અને મૂળ સિદ્ધાંતોથી વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરવાના સનાતન વિરોધી લોકોના કૃત્યો સામે સમગ્ર સનાતનીઓને એક મંચ ઉપર લાવી સનાતન ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતના ઉપક્રમે તબક્કાવાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ત્રંબા ખાતે સનાતન સત્ય ધર્મનું સંમેલન મળશે. જેના અધ્યક્ષ સ્થાને જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્યક્ષ સ્થાને હાજર રહેશે. તેમજ રાજ્યભરમાંથી સંતો-મહંતો હાજરી આપશે.ત્રંબામાં ભરાડ સ્કૂલ ખાતે સાંજે 4.30 કલાકે આ સંમેલનનો પ્રારંભ થશે. આયોજકના જણાવ્યાનુસાર આ સંમેલનમાં સનાતન ધર્મના સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરવા માટે સનાતન ધર્મના કોઈપણ દેવી-દેવતાઓ માટેની અપમાનજનક ટિપ્પણીના કૃત્યો સહિત મુદ્દે કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય વિચારણા નિર્ધારિત કરવામાં આવશે. તેમજ કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં દેવ-દેવીઓને નીચા ચીતરવામાં આવતા હોય તેની સામે પગલાં લેવા નિર્ણય કરવામાં આવશે. ઉપરાંત ધાર્મિક જગતમાં ચાલતી અનેક સમસ્યાઓના નિવારણ માટે ગહન ચર્ચાઓ પણ કરવામાં આવશે. ગુજરાતની કોઈપણ ધાર્મિક સંસ્થા અને લોકો દ્વારા ધાર્મિક જગતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચતી હોય તેવા અધાર્મિક કૃત્યો તથા ધાર્મિક જગતના લોકોને ભયભીત કરવામાં આવતા હોય તેવી બાબતો સામે સનાતન સેવા સંસ્થાન દ્વારા કાયદાકીય પગલાંથી માંડીને તમામ પ્રકારની કાર્યવાહીઓ કરવા માટે નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટના હોદ્દેદારોને નિયુક્તિ પત્ર આપવામાં આવશે.