તિજોરી ન ખૂલી તો તસ્કરો રૂપિયા ગણવાનું મશીન ઉપાડી ગયા! : 6 શખ્સની ધરપકડ

રાજકોટના ધમધમતા સોની બજારમાં રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરોએ ફિલ્મી ઢબે હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હતો. નવા નાકા રોડ પર આવેલી ‘અમિત જ્વેલર્સ’નામની પેઢીને નિશાન બનાવી તસ્કરોએ પાંચ-પાંચ મજબૂત તાળાં તોડી અંદર પ્રવેશ તો મેળવી લીધો, પણ નસીબ જોગે તિજોરીએ સાથ ન આપતા મોટી ચોરીની ઘટના ટળી હતી.

છેલ્લે ‘ખાલી હાથે કેમ જવું?’ એ વિચારી તસ્કરો રોકડ ગણવાના મશીન જ ઉપાડી રફુચક્કર થઈ ગયા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 6 તસ્કરોને સીસીટીવી ફૂટેજના આધારે પેલેસ રોડ પર પદ્મકુંવરબા હોસ્પિટલ નજીકથી સહેદ કલરની આઇ-20 કારમાંથી દબોચી લઇ ચોરી કરાયેલા રૂ.50 હજારના બે કાઉન્ટિંગ મશીનો કબજે કર્યા છે અને કાર સહિત 5.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા આરોપીના નામ શુભમ સુભાષ સોની(રે.બાંદ્રા વેસ્ટ, રાજારામવાડી, મુંબઇ), ભાવિક કિરણ સીતાપરા (રે.રાધેશ્યામ સોસાયટી,શેરી નં.2,હુડકો ચોકડી પાસે કોઠારિયા), જયદીપ નરેશ કાકડિયા (રે.હીર વિલા કોમ્પ્લેક્સ,સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે), મિલન દિલીપ ગોંડલિયા (રે.સનાતન પાર્ક શેરી નં.4, કોઠારિયા રોડ), ધવલ દિલીપ સુરેલા (રે.તિરુપતિ 10, કોઠારિયા ચોકડી પાસે), રાકેશ કાળુ બોરસાણિયા (રે.તિરુપતિ સોસાયટી શેરી નં. 10, કોઠારિયા રોડ)

પાંચ લોક તોડી તસ્કરો અંદર ઘુસ્યા, CCTV તોડ્યા તસ્કરોએ લાકડાંના દરવાજાના 4 અને એક મુખ્ય મોટું લોક તોડી નાખ્યું હતું. અંદર ઘૂસતાની સાથે જ તસ્કરોએ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા જેથી તેમની ઓળખ ન થાય. તસ્કરોએ તિજોરી તોડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા લાખો-કરોડોના દાગીના સુરક્ષિત રહ્યા હતા. તિજોરી ન ખૂલતા તસ્કરોએ કાઉન્ટર પર પડેલા રૂ.50,000ની કિંમતના બે રોકડ ગણવાના મશીનો ચોરી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *