શહેરમાં મોરબી રોડ પર રાધામીરા પાર્કમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ મેણા મારી ત્રાસ આપી પુત્ર સહિત ઘરમાંથી કાઢી મુકયાની ફરિયાદ કરતા મહિલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દિક્ષિતાબેન હાર્દિકભાઇ જાગાણીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપીઓ તરીકે પતિ હાર્દિક, સસરા નાગરભાઇ વાલજીભાઇ જાગાણી, જેઠ જતીન અને જેઠાણી કિરણબેનના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી મારા પિતાના ઘેર રહેતી હોવાનું અને મારા 2016માં પ્રથમ લગ્ન થયા હતા જેમાં સંતાનમાં એક દીકરો હોવાનું બાદમાં છૂટાછેડા થયા હતા. બાદમાં બીજા લગ્ન રાકેશ જેગતરામ વ્યાસ સાથે થયા હતા અને એક માસ બાદ મારા પહેલા લગ્નથી થયેલ સંતાનના હિસાબે છૂટું કરેલ પરંતુ મારા પતિ મારી સાથે લગ્ન કરીને નહીં એમ જ ઘરમાં રાખવા માંગતા હોય જેથી મારા પિતાના ઘેર આવી ગઇ હતી. ત્યાર બાદ તા.17 આેક્ટોબર 2021માં મારા પુન: લગ્ન મોરબી ખાતે રહેતા હાર્દિક નાગરભાઇ સાથે મંદિરમાં થયા હતા. લગ્ન બાદ મારા પતિ સાથે મોરબીમાં સંયુક્તમાં રહેતી હતી અને મારા સસરા-સાસુ ધ્રુમલ ગામે રહેતા અને અવારનવાર માેરબી ઘેર આવતા-જતા રહેતા હતા. પતિને અન્ય સ્ત્રી સાથે અફેર હોવાનું લગ્નના 10 દિવસમાં જાણ થતા મારા પતિએ મને કહેલું કે તું કોઇને વાત કરતી નહી નહીંતર મારા પિતા મરી જશે અને અગાઉ એટેક આવી ગયેલો છે.