રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોની આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લોકો તહેવારોમાં બહારગામ જવાના આયોજન કરી રહ્યા છે ત્યારે રેલવેએ તહેવાર સમયે જ બ્લોક લેતા રાજકોટથી આવતી-જતી 16 ટ્રેનને અસર થઇ છે. રાજકોટ રેલવે ડિવિઝનમાં લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામને કારણે 5 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન ટ્રેન વ્યવહારને અસર થશે. રેલવે દ્વારા 04 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 2 ટ્રેન આંશિક રીતે રદ રહેશે, 02 ટ્રેનના સ્ટોપેજ રદ કરાયા છે, અને 06 ટ્રેન રિશિડ્યૂલ અથવા માર્ગમાં મોડી પડશે.
રદ કરાયેલી ટ્રેનમાં ઓખા-રાજકોટ લોકલ 6થી 22 ઓગસ્ટ સુધી રદ રહેશે. રાજકોટ-ઓખા લોકલ 6થી 22 ઓગસ્ટ સુધી રદ રહેશે. ઓખા-વેરાવળ એક્સપ્રેસ 20થી 22 ઓગસ્ટ સુધી રદ રહેશે અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ 20થી 22 ઓગસ્ટ દરમિયાન રદ રહેશે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનમાં પોરબંદર-કાનાલુસ લોકલ 6થી 22 ઓગસ્ટ સુધી લાલપુર જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
જ્યારે કાનાલુસ-પોરબંદર લોકલ 6થી 22 ઓગસ્ટ સુધી કાનાલુસ-લાલપુર જામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જે ટ્રેનના સ્ટોપેજ રદ કરાયા છે તેમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ 6થી 23 ઓગસ્ટ સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઊભી રહે. જ્યારે ઓખા-ભાવનગર એક્સપ્રેસ 5થી 22 ઓગસ્ટ સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઊભી રહે. રાજકોટથી આવતી-જતી જે ટ્રેન રિશિડ્યૂલ કરવામાં આવી છે તેમાં ઓખા-ભાવનગર એક્સપ્રેસ 8થી 19 ઓગસ્ટ દરમિયાન દરરોજ 1 કલાક 30 મિનિટથી 2 કલાક 30 મિનિટ સુધી મોડી ઉપડશે. જ્યારે ઓખા-બનારસ એક્સપ્રેસ 14 ઓગસ્ટના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 50 મિનિટ મોડી એટલે કે 17:15 વાગ્યે ઉપડશે.