રાજકોટની જીવનપ્રભા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને વીમાનગરના રહેવાસીઓએ સિટી પ્રાંત-1ને આવેદનપત્ર પાઠવીને અશાંતધારો અમલી હોવા છતાં વીમાનગરમાં 3 મકાન વિધર્મીઓને વેચાઇ ગયાની રજૂઆત કરી મિલકતનું વેચાણ રદ કરવા અને વિધર્મીઓને મિલકત ખરીદવા મંજૂરી નહીં આપવા માગણી કરી છે.
આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે, વીમાનગર શેરી નં.1માં 3 મકાનધારકોએ કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર પોતાની મિલકતોનું વિધર્મીઓને વેચાણ કરવા અંગેની કાર્યવાહી ચાલુ કરી છે. આ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ કરી આ વિસ્તારની શાંતિ જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. જેથી સંબંધિત મિલકતધારકો દ્વારા મિલકત વેચાણની પૂર્વ મંજૂરી આપવા અંગે આપની કચેરી ખાતે અરજી કરેલ હશે અથવા તો આગામી દિવસોમાં આ અંગેની અરજી મિલકત વેચનાર અથવા મિલકત ખરીદનાર દ્વારા આપની કચેરી ખાતે કરવામાં આવશે. જેથી સત્વરે તમામ મિલકતધારકોને નોટિસ આપી સંબંધિત મિલકતોના વેચાણની કાર્યવાહી અટકાવવા માગણી કરી છે.