સાતમ-આઠમને આડે હવે એક મહિનો જ બાકી છે. આ વખતે લોકમેળા માટે એસ.ઓ.પી.ને લઈને મોટી રાઈડ્સને મંજૂરી મળી નથી. જેને કારણે રાઇડ્સ સંચાલકોએ ધરણાં કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે વહીવટી તંત્રએ લોકમેળો મોટી રાઈડ્સ વગર કરવાની જાહેરાત કરી દીધી છે અને પ્લાન બી પણ બનાવ્યો છે.
જોકે પ્લાન બનાવી લીધો છે, પરંતુ નકશો હજુ સુધી જાહેર કર્યો નથી. આમ નકશો જાહેર કરવામાં કલેક્ટર વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યાં હોવાનું લાગે છે. ગાંધીનગર સુધી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરાઈ છે ત્યારે જો એસ.ઓ.પી.માં રાહત આપવામાં આવે તો વહીવટી તંત્ર માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવી સ્થિતિ નિર્માણ પામશે. હવે ટૂંકા સમયગાળામાં રાઈડ્સ માટેના ફોર્મ ઉપાડવા અને ભરવું શક્ય નથી. ત્યારે રાઈડ્સને મંજૂરી મળે તો પ્લોટની જાહેર હરાજી જ કરવી પડશે તેમ ગુજરાત મેળા વેલ્ફેર એસો.ના સભ્ય પરેશભાઈ ભટ્ટ જણાવે છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર જો રાજકોટનો લોકમેળો રાઈડ્સ વગર થશે તો અનેક લોકો માટે રોજીરોટીનો પ્રશ્ન ઊભો થશે. અમારી જે માગણી -રજૂઆત છે તે 40 ટકા સ્વીકારવામાં આવે તો પણ વહીવટી તંત્રનો પ્રસ્તાવ સ્વીકારવાની અમારી તૈયારી છે. સોમવારે પ્લાન બી જાહેર કરવાની મુદત હતી, પરંતુ મંગળવાર પૂરો થયા બાદ પણ હજુ કોઇ નકશો જાહેર કરવામાં આવ્યો નથી.મોટી રાઇડ્સ વગર લોકમેળો થશે તો સૌથી મોટો પ્રશ્ન રોજીરોટી માટેનો થશે. અનેક લોકો બેરોજગાર બનશે. કારણ કે લોકમેળા મારફતે ઔદ્યોગિક એકમોમાં રોજગારીનું સર્જન થાય છે.